ફિલ્મ માટે બિગ બીને મળ્યો એવોર્ડઃ
'ડોન' ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. જોકે, 'ડોન' બાદ ક્યારેય ચંદ્ર બારોટ તથા અમિતાભ બચ્ચને કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. અમિતાભના ૭૫માં જન્મદિવસ પર ચંદ્ર બારોટે એક્ટરને શુભકામના પાઠવી છે પરંતુ દુઃખની વાત એ છે કે ચંદ્ર બારોટની તબિયત ઘણી ખરાબ છે.
ચાર-પાંચ વર્ષથી બીમારઃ
ચંદ્ર બારોટે કહ્યું હતું કે તેઓ છેલ્લાં ચાર પાંચ વર્ષથી લંગ સોરાયસિસથી પીડાય છે. આની સારવાર ચાલે છે પરંતુ ડોક્ટર્સે કહ્યું હતું કે આ ગંભીર બીમારી છે.
નવાઈની વાત એ છે કે 'ડોન' જેવી સુપરહિટ ફિલ્મ આપનાર ચંદ્ર બારોટની પરિસ્થિતિથી બોલિવૂડ સાવ અજાણ છે. ચંદ્રે કહ્યું હતું કે તેની પત્ની તથા પુત્ર અક્ષાન ઘણી જ સારી રીતે સારવાર અને દેખરેખ રાખે છે. તેથી જ તેમણે શા માટે બોલિવૂડમાં આની જાહેરાત કરવી જોઈએ. લોકોને જ્યારે જાણ થશે ત્યારે ફોન કરશે અથવા તો ઘરે આવીને દયા ખાશે. તેમને આવી વાતો પસંદ નથી. આ તેમની લડાઈ છે અને તે એકલા જ લડશે. ચાહકો તરફથી ઘણો જ પ્રેમ તથા સપોર્ટ મળ્યો છે. ભગવાન ઈચ્છશે, ત્યાં સુધી જીવશે.
બોલિવૂડમાં ચંદ્ર બારોટની બીમારી અંગે કોઈને જાણ નથી પરંતુ એક વ્યક્તિ છે, જેને તેમની તબિયત અંગે ખબર છે અને તે છે જયા બચ્ચન. ચંદ્ર બારોટે કહ્યું હતું કે બચ્ચન અને બારોટના સંબંધો પરિવાર જેવા છે. અલબત્ત, અમિત(અમિતાભ) અને તેમણે ક્યારેય 'ડોન' પછી સાથે કામ નથી કર્યું. જોકે, અંગત જીવનમાં તેમના ઘણાં જ સારા સંબંધો છે. ચંદ્ર બારોટે પોતાની બીમારીની વાત જયા બચ્ચને કરી હતી. જયા બચ્ચને જ બ્રિચ કેન્ડી હોસ્પિટલના ડૉ. ઝરીર ઉદવાડિયા પાસે ટ્રિટમેન્ટ લેવાની વાત કરી હતી.
ડૉ. ઝરીરના પિતા ડૉ. ફારૂક ઉદવાડિયાએ જ બિગ બીની સારવાર કરી હતી. 'કૂલી' સમયે અમિતાભ બચ્ચનને જે ગંભીર અકસ્માત થયો હતો, ત્યારે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. ફારૂક ઉદવાડિયાએ જ બિગ બીની સારવાર કરી હતી.
ચંદ્ર બારોટની તબિયત એ હદે ખરાબ છે કે તેઓ ૨૪ કલાક ઓક્સિજન સિલિન્ડર તથા માસ્ક સાથે જ રહે છે. તેમના ફેફસા ઘણાં જ નબળા પડી ગયા છે. ડૉ. ઝરીર ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ છે અને તે સારવાર કરે છે.
ચંદ્ર બારોટે કહ્યું હતું કે દર દિવાળીએ અમિતાભ બચ્ચન પાર્ટી આપે છે. તે આઠ-દસ મિત્રો સાથે આ પાર્ટીમાં જાય છે. આ વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાના અવસાનના શોકને કારણે દિવાળી પાર્ટી આપવાના નથી.
ચંદ્ર બારોટનો જન્મ તાન્ઝિયામાં થયો છે અને તે ત્યાંની Barclay બેંકમાં કામ કરતાં હતાં. જોકે, ૧૯૬૭માં તેમણે દેશ છોડવો પડ્યો હતો અને તેમણે લંડનમાં સેટલ થવાનું નક્કી કર્યું હતું. જોકે, લંડનમાં સેટલ થતા પહેલાં તે ભારતમાં રહેતી પોતાની બહેન કમલ બારોટને મળવા આવ્યાં હતાં. કમલ બારોટ બોલિવૂડમાં પ્લેબેક સિંગર હતાં. ભારતમાં આવીને ચંદ્ર બારોટ સંગીતકાર કલ્યાણજી-આનંદજીને મળ્યાં હતાં. તેમણે ચંદ્ર બારોટની મુલાકાત મનોજ કુમાર સાથે કરાવી હતી.
આ સમયે મનોજકુમાર ફિલ્મ 'ઉપકાર'ને ફાઈનલ ટચ આપતાં હતાં. ફિલ્મમાં રહેલી એક ભૂલની જાણ ચંદ્ર બારોટે મનોજકુમારને કહી હતી. મનોજકુમારને લાગ્યું કે ચંદ્ર સારો ડિરેક્ટર બની શકે છે. તેમણે ચંદ્ર બારોટને પોતાની સાથે કામ કરવાની ઓફર કરી હતી. જોકે, ચંદ્ર બારોટ લંડન સેટલ થવા માંગતાં હતાં અને તે લંડન જતા રહ્યાં. જોકે, લંડનમાં કોઈ મેળ ના પડતાં તેમણે મનોજકુમારને ફોન કર્યો હતો અને પૂછ્યું કે તેમના માટે હવે કોઈ તક છે. તેઓ મનોજ કુમારની સાથે આસિસ્ટન્ટ તરીકે મહિને ૪૫૦ રૂપિયાની નોકરીએ જોડાયા હતાં. મનોજ કુમારની સાથે તેમણે 'પૂરબ ઔર પશ્ચિમ', 'રોટી કપડાં ઔર મકાન' તથા 'શોર' જેવી ફિલ્મ્સ કરી હતી.
'ઉપકાર'ના સોંગ 'મેરે દેશ કી ધરતી..'ને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ લેવા માટે સિંગર મહેન્દ્ર કપૂર તથા ચંદ્ર બારોટ દિલ્હી ગયા હતાં. નેશનલ એવોર્ડની જ્યૂરમાં તેજી બચ્ચન પણ હતાં. તેજી બચ્ચને ચંદ્ર બારોટને કહ્યું હતું કે તેમનો મુન્ના(અમિતાભ બચ્ચન) હવે ફિલ્મ્સમાં આવવાનો છે તો તે તેમનું ધ્યાન રાખે.
ચંદ્ર બારોટે કહ્યું હતું કે 'ડોન' બાદ તેમણે અલગ-અલગ ફિલ્મ્સ બનાવવાની શરૂઆત કરી હતી પરંતુ તેમના નસીબમાં તે નહોતું. તેમણે દિલીપકુમાર તથા સાયરાબાનુ સાથે 'માસ્ટર' ફિલ્મ બનાવી હતી. જોકે, આ જ સમયે દિલીપે 'ક્રાંતિ' તથા 'શક્તિ'માં કેરેક્ટર રોલ કરવાની શરૂઆત કરી હતી. ફાઈનાન્સર્સને એમ લાગ્યું કે હવે દિલીપ કુમાર ઝાડ ફરતે સોંગ્સ ગાય તો એ ચાલે નહીં. તેથી ફિલ્મ બની શકી નહીં. ત્યારબાદ 'તિતલી' ફિલ્મ સારિકા સાથે બનાવી. જોકે, આ સમયે સારિકાએ લગ્ન કરીને ઘર વસાવવાનો નિર્ણય કરી લીધો. તેથી આ ફિલ્મ પણ બની જ નહીં. ત્યારબાદ મલ્ટી સ્ટારર ફિલ્મ 'લોર્ડ ક્રિષ્ના' બનાવવાનું શરૂ કર્યું. અલબત્ત, ફિલ્મના પ્રોડ્યુસર સત્તી સૌરીની દીકરી મોનાએ બોની કપૂર સાથે લગ્ન કરી લેતા સત્તી સૌરીને ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં કોઈ રસ રહ્યો નહીં. ચંદ્ર બારોટે બંગાળી ફિલ્મ બનાવી હતી. ત્યારબાદ વિનોદ ખન્ના, જયપ્રદા તથા ડેની સાથે 'બોસ' બનાવી. તે પૂરી પણ થઈ ગઈ અને ૨૦૦૩માં સેન્સર બોર્ડે પાસ પણ કરી દીધી હતી પરંતુ તે ક્યારેય રીલિઝ થઈ શકી નહીં. હવે, આ ફિલ્મ સેટેલાઈટ ચેનલ્સ પર બતાવવામાં આવે તેવી શક્યતા છે. ૨૦૧૧માં 'હમ બાજા બજા દેંગે'ની શરૂઆત કરી હતી. આ ફિલ્મના પ્રોડ્યુસર અનુપ જલોટા હતાં અને ફિલ્મમાં જેકી શ્રોફ હતો. જોકે, આ ફિલ્મ પણ બની શકી નહીં.
'ડોન' ૨૫ લાખમાં બની હતી. પ્રોડ્યુસર નરીમાન ઈરાનીના મોત બાદ માંડ-માંડ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. પ્રમોશન માટે કોઈ જ પૈસા રહ્યાં નહોતાં. જ્યારે ફિલ્મ હિટ રહી ત્યારે નરીમાનની પત્ની સલમા ઈરાનીને પૈસા આપ્યાં હતાં, જેથી તે પતિનું દેવું ભરપાઈ કરી શકે. તે સમયે 'ડોન' માત્ર ૧૨૦ પ્રિન્ટ્સમાં રીલિઝ થઈ હતી. આજે તો ચારથી પાંચ હજાર સ્ક્રિન્સમાં રીલિઝ થાય છે.