અરવિંદ ત્રિવેદી ગોરખના રૂપમાં પડછંદ પાત્ર તરીકે ઉભરી આવે છે. મોહમાયામાં અટવાતા રાજા ભર્તુહરિના પાત્રને ઉપેન્દ્ર ત્રિવેદીએ ન્યાય આપ્યો છે. સ્નેહલતા પિંગળાના પાત્રમાં પોતાના અભિનય અને પાત્રના વજનના કારણે સમગ્ર ફિલ્મમાં છવાઈ ગયા છે. જયશ્રી ટી. નું નાનું એવું પણ અસરકારક પાત્ર ફિલ્મમાં જરૂરી ભાગ ભજવે છે. સાથેસાથે દ્વિઅર્થી સંવાદ સાથે રમેશ મહેતા વારંવાર ફિલ્મમાં દર્શન આપે છે.
સુમન કલ્યાણપુર, આશા ભોંસલે, ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર દ્વારા ગવાયેલા ગીતો અને અવિનાશ વ્યાસનું સંગીત આજે પણ આપણા વડીલો હોંશે હોંશે સાંભળે છે. આમાં ઉચ્ચ કોટીનું ગીત અને સંગીત ઉભયનો સમન્વય અહીં જોવા મળે છે.
અસરકારક સંવાદોમાં રાણી પિંગળા ભર્તુહરિને કહે છે કે “તમારું સાનિધ્ય એ જ મારા શ્વાસોછ્શ્વાસ છે.” અને એમના જ મોઢે રાજા ભર્તુહરિ માટે “બેટા” શબ્દ પણ બોલાય છે. આમ ફિલ્મમાં પરિવર્તન સાથે સંવાદોમાં નાવીન્ય જોવા મળે છે. ફિલ્મમાં વેશભૂષા ખૂબ સરસ છે. જયારે કેમેરાવર્કમાં ટેકનોલોજીનો અભાવ જોવા મળે છે. ટાંચા સાધનો વડે પણ પ્રતાપ દવેએ કેમેરા દ્વારા સારૂ ફિલ્માંકન કર્યું છે. કીર્તિ કલામંદિરનું “રાજા ભરથરી” નું દિગ્દર્શન રવીન્દ્ર દવેએ બખૂબીથી નિભાવ્યું છે.
આ દાયકામાં “રાજા ભરથરી” ની સાથે સાથે બીજી ઘણી સારી ફિલ્મો બની. તેમજ ગુજરાતી સિનેમાનો સારો એવો વિકાસ થયો. "૧૯૭૫ થી મનોરંજન કરમુક્તિની નીતિથી ગુજરાતમાં ‘લશ્મી લેબોરેટરીઝ
નિર્માતા ટી.જે.પટેલ અને રવીન્દ્ર દવેના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ “કુંવરબાઈનું મામેરૂ” નરસિંહ મહેતાની કૃષ્ણભક્તિની વાર્તા છે. જે પ્રભુભક્તિ દ્વારા એક ભક્તનું પ્રભુ સાથેનું અદભુત મિલન દર્શાવે છે. સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં ભક્ત નરસૈયાની પુત્રી કુંવરબાઈના લગ્નના પ્રસંગનું વર્ણન છે. જેમાં ભક્ત નરસૈયાની વારે ભગવાન પોતે આવે છે. નરસિંહ ભક્ત હરિજનો પ્રત્યે કુણી લાગણી ધરાવે છે અને નગરજનોના ત્રાસથી કંટાળ્યા વગર પ્રભુભક્તિમાં લીન રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને પરચા આપી હંમેશા તેની સાથે રહે છે.
નરસૈયાના પાત્રમાં અરવિંદ ત્રિવેદીએ જીવ રેડી દીધો છે. તેમના કુટુંબના પાત્રો અસરકારક અભિનય દ્વારા ફિલ્મમાં પોતાની આગવી ઓળખ ઉભી કરે છે. અવિનાશ વ્યાસનું સંગીત અને આજે પણ ન ભૂલાય એવા ગીતો ફિલ્મને સફળતા તરફ દોરી જાય છે. વૈષ્ણવ જન..... અને પ્રગટો..... તેમજ આજની ઘડી તે રળિયામણી..... લોકમુખે આજે પણ સાંભળવા મળે છે.
નરસૈયા દ્વારા બોલાયેલા અસરકારક સંવાદો જેમ કે નરસિંહ ભગત તેમની પત્નીને સંબોધીને “તમે તો મારૂ અડધું અંગ, અંગ ખોટું હોય તો લકવો થાય,” અને ભગતની પત્ની દ્વારા બોલાયેલા શબ્દો જે પુત્રને સમજાવતા કહે છે કે “તારા તો બાપુ, પણ આ ખોળીયાના તો પ્રાણ” ઘણું બધું કહી જાય છે. ફિલ્મમાં વેશભૂષા અને વિવિધ સ્થળોને કેમેરામાં સરસ રીતે કંડારવામાં આવ્યા છે. “આ ફિલ્મ મૂળ તો લોકકથા અને લોકસાહિત્ય પર આધારિત છે. આ ફિલ્મમાં ભક્ત નરસૈયાના જીવનની કુંવરબાઈના મામેરાની ઘટનાને ખૂબ જ રસપ્રદ રીતે ફિલ્માંકન કરવામાં આવી છે. ૧૯૫૨ માં બનેલી અને અરવિંદ પંડ્યા અભિનીત ‘ભક્ત નરસૈયો’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.”
જૂની ફિલ્મોમાં ચોયણી, પાઘડી કે ઓવર એક્ટિંગના અતિરેકથી આજનો વર્ગ ગુજરાતી ફિલ્મોમાં રસ ધરાવતો નથી. પરંતુ એ સમયમાં પણ શહેરીકરણ અને ત્યાના દુષણોનું ફિલ્માંકન અને નીતિ મુલ્યોવાળી ફિલ્મો રજૂઆત પામતી. “આ જ દિશામાં પ્રયત્નોના ભાગરૂપે તારીખ ૧૧ થી ૧૬ જુન ૨૦૦૭ દરમિયાન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાતી ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતેના ફિલ્મોત્સવમાં ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ચલચિત્રો દર્શાવવામાં આવ્યા હતા. જેમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.” આમ, વર્ષો પછી પણ જોવાનું મન થાય એવી ફિલ્મોનું નિર્માણ થતું હતું. એ સમય પણ પરિવર્તનનો હતો અને આજનો સમય પણ પરિવર્તનનો છે. છતાં પણ સ્વચ્છ મનોરંજન મળે એવી ફિલ્મો બનવાની શરૂઆત વર્ષો પહેલા થઇ ગઈ હતી કે જેમાં એક ગર્ભિત સંદેશો પણ સમાયેલો હોય.
કાંતિ મડિયા દિગ્દર્શિત “કાશીનો દીકરો” શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ કથા વિનોદિની નીલકંઠ, શ્રેષ્ઠ પટકથા પ્રબોધ જોશી, શ્રેષ્ઠ ગીત બાલમુકુન્દ દવે, શ્રેષ્ઠ અભિનેત્રી રીટા ભાદુરી જેવા એવોર્ડથી સન્માનિત થઇ હતી. ફિલ્મની વાર્તા કાશી નામના પાત્રની આસપાસ ફરે છે. કાશી પોતાના દિયરને પોતાના સગા દીકરાની જેમ ઉછેરે છે. ભાભી મટીને માતાની જેમ ઉછેરેલા દિયરના લગ્ન પણ કરાવે છે. કરુણાંતિકા ત્યારે સર્જાય છે જયારે લગ્ન પછી તરત જ સર્પદંશથી તેના દીકરા જેવા દિયરનું મૃત્યુ થાય છે. તેના વિરહમાં તે પોતાના પતિથી પણ અળગી રહેવા લાગે છે. તે પોતાના પતિની જરૂરિયાતોને નજરઅંદાજ કરે છે. આમ કરવા જતા પોતાના પતિ દ્વારા જ દેરાણી ગર્ભવતી બની જાય છે. સમય અને સંજોગો સમજીને પાપ છુપાવવા માટે કાશી પોતે જ ગર્ભવતી હોય એવું નાટક કરે છે. આમ દુનિયાથી છુપાવી દેરાણીની કુખે જન્મેલું બાળક કાશીનું બાળક છે એવું સૌ કોઈ માને છે અને તે બાળક “કાશીનો દીકરો” તરીકે ઓળખાય છે.
ફિલ્મમાં હોટેલમાં વાગતા હિન્દી ગીતો, પ્રસુતિ માટે દર્શાવાતી અમદાવાદની હોસ્પિટલ, વેશભૂષા અને સંવાદ દ્વારા શહેરીકરણની ઝલક જોવા મળે છે. ‘ભગા’ નામનું પાત્ર કે જે રમૂજી વાક્યો અને પરિસ્થિતિ ઉભી કરે છે. તેને વડોદરા નોકરી કરવા જતું બતાવવામાં આવે છે. શરૂઆતમાં ફિલ્મ ઝડપથી આગળ વધે છે. ત્યારબાદ ધીરે ધીરે તેમાં ફિલ્મની વાર્તાનું જે હાર્દ છે તેમાં કેન્દ્રિત થાય છે. ફિલ્મના ગીતો ધીરગંભીર અને શાંત ઢાળવાળા છે. ગીત અને સંગીતમાં ક્ષેમુ દિવેટિયા, અભિનયમાં રાજીવ, રાગીણી અને રીટા ભાદુરી પોતાના પાત્રોને જીવંત બનાવે છે. ફિલ્મમાં રહેલું અંબાલાલનું પાત્ર નવો વળાંક સર્જે છે. સીનેમેટોગ્રાફીમાં અદભુત દ્રષ્ટિ જોવા મળે છે. ફિલ્મના પાત્રો સંવાદ કરતા હાવભાવ અને કેમેરાના એન્ગલથી વાર્તાને પડદા પર દર્શાવવામાં સફળ રહે છે.
“દર્શકો પાસે તાળીઓ વગાડવાનો બોજો. કલાની હત્યા કરે છે. કલાકારે દર્શકની મૌન પ્રશંસા મેળવવામાં સંતોષ શોધવો જોઈએ.” જૂની ફિલ્મોનું કથાનક સાહિત્ય, ભવાઈ અને સત્યઘટના પરથી આવતું હતું. જેમાં અભિનય આપતા અભિનેતા અને અભિનેત્રીઓ પાત્રને ન્યાય આપવામાં ક્યારેક સમર્થ તો ક્યારેક ઓવર એક્ટિંગ સાથે ફિલ્મની મજા બગાડી નાખતા હતા. ફિલ્મોનું સંગીત આજના સમયમાં સાંભળવા ન મળે એટલું કર્ણપ્રિય તેમજ આજે પણ લોકમુખેથી સાંભળવા મળે એટલું સુંદર હતું. ટેકનોલોજીમાં આપણે હજુ હરણફાળ ભરી ન હતી. પરંતુ, દિગ્દર્શકના મગજમાં રહેલી ફિલ્મ પડદા પર જોવા મળતી. એ પણ સારી માવજત સાથે. સંવાદો અને બિનજરૂરી પરિસ્થિતિને બાદ કરતા ગુજરાતી ફિલ્મો સતત નવું કરવા પ્રયત્નશીલ રહેતી હતી. “બીજા વિશ્વયુદ્ધના કારણે આ દાયકાના પ્રથમ ચાર વર્ષ મહદઅંશે ફિલ્મ વગરના બની રહ્યા.” એટલે કે ૧૯૪૬ થી ૧૯૫૦ સુધીમાં ગુજરાતી ફિલ્મોદ્યોગમાં નવા સર્જકો અને કલાકારોનો પ્રવેશ થયો. ‘ગુણસુંદરી’ અને ‘રાણકદેવી’ દ્વારા અત્યંત સફળ અને લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસ જેવા સર્જકનો પ્રવેશ થયો. આ દશકમાં ગુજરાતી સિનેમાના પાયા મજબુત કરે એવી ઘણી નવી પ્રતિભાઓ ફિલ્મક્ષેત્રમાં આવી. સમય જતા ફિલ્મોદ્યોગની હાલત થોડી બગડી અને આ અરસામાં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ફિલ્મોદ્યોગને ટકાવી રાખવાની નીતિનું ઘડતર થયું. “૧૯૬૫ માં છબીકાર બીપીન ગજ્જરની સહાયથી મનહર રસકપૂરે ‘મહેંદી રંગ લાગ્યો’ ફિલ્મ બનાવી. જેમાં હિન્દી ચિત્રોના જાણીતા કલાકારો રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે અભિનય આપ્યો. અવિનાશ વ્યાસ રચિત ગીત સંગીતને જબરદસ્ત સફળતા સાંપડી.”