સમય બદલાતો ગયો તેમ વાર્તામાં પણ ફેરફાર આવતા ગયા. ફિલ્મોમાં દર્શાવવામાં આવતા મિત્રો હોય કે ભાઈ ભાભી, સગો ભાઈ કે પિતરાઈ ભાઈ જેવા સ્વચ્છ સંબંધોમાં વેરભાવ, કુદ્રષ્ટિ, દગાખોરી વગેરે જેવી બાબતો આવવા લાગી અને ફિલ્મો જોઈ લોકો પણ સચેત થયા. આમ તો લોકોની આસપાસ આવી બાબતો ચાલતી જ હોય છે. પણ ફિલ્મોમાં જોવાને કારણે અને ફિલ્મની થતી ચર્ચાના કારણે લોકો વધુ સાવધ બન્યા. ધીરેધીરે સારા લાગતા બાવા સાધુ કે જેમને ઘરે જમાડીને પુણ્ય મેળવવા લોકો હંમેશા તૈયાર રહેતા હતા. હવે તેમાંથી દૂર રહેવા લાગ્યા. સમય ધીરેધીરે બદલાવા લાગ્યો. ગુજરાતી ફિલ્મોમાં ખેતીવાડી અને ગ્રામ્યજીવનના બદલે અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરો દેખાવા લાગ્યા. તેમજ મોટરગાડી અને યુવાનોમાં શહેરી ધોરણના કપડા પહેરવાનો શોખ દેખાવા લાગ્યો. આ એ સમય હતો જયારે ગુજરાતી ફિલ્મોમાં નવી વાર્તાનો સમાવેશ થયો અને લોકો શિક્ષિત એવા દેખાવા લાગ્યા. તેઓને કમાવા માટે શહેરો તરફ પ્રયાણ કરતા બતાવવામાં આવ્યા. હવે એક નવી વિચારધારાની શરૂઆત થઇ. જેના કારણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી. અહીં, જુના વિષયો જેમ કે રાજા-રજવાડા, ખેડૂત-જમીનદાર જેવી ફિલ્મોની વાર્તા સિવાય રંગીલું રાજકોટ કે અમદાવાદ અને વડોદરાની રીતભાત પડદા ઉપર રજૂ થઇ. આવી વાર્તામાં અસરાની, રમેશ મહેતા, રાજીવ, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, અરવિંદ ત્રિવેદી જેવા અભિનેતાઓ તેમજ અભિનેત્રીઓમાં રીટા ભાદુરી, સ્નેહલતા, જયશ્રી ટી. વગેરે દ્વારા સરસ અભિનય થયો. આમ, આ અભિનેતા અને અભિનેત્રીઓ ગ્રામ્ય જીવન અને શહેરી વાતાવરણમાં અસરકારક અભિનય આપવામાં સફળ રહ્યા.
સમય બદલાયો હતો. નવા રીતભાત અને વાતાવરણ સાથે ફિલ્મો બનતી હતી, પરંતુ, ખરેખર તો ગ્રામ્ય જીવનને લઈને ફિલ્મો વધારે બની હતી અને આજે પણ બની રહી છે. જેમાં બળદગાડું, ચોયણી, ખેતર, ગામનું પાદર વગેરે મોખરે છે. ગુજરાતી ફિલ્મોમાં તળપદા શબ્દો અને તેના જેવા બીજા શબ્દો સાથે બોલાતી ગાળોનો પણ સમાવેશ થવા લાગ્યો. ગુજરાતી ફિલ્મોમાં ખરાબ અને દ્વિઅર્થી સંવાદ આવે એટલે સૌથી પહેલું નામ રમેશ મહેતાનું આવે. જો કે રમેશ મહેતાનું ‘હો..... હો..... હો......’ વગર તો ફિલ્મ અધુરી જ ગણાય. ફિરોઝ ઈરાની કે બીજા ખલનાયકનું પાત્ર ભજવતા અભિનેતા કે અભિનેત્રીઓ આવા સંવાદ એકલ દોકલ સંખ્યામાં બોલતા હોય. એવું પણ સાંભળવા મળે છે. પરંતુ, હાસ્ય અભિનેતાને માથે હસાવવાની જવાબદારી હોવાના કારણે આવા સંવાદ, ઈશારા કે જે કહો તે ખરાબ ભાષા બધું આવે તો આ હાસ્ય અભિનેતાના ભાગમાં જ આવે છે. એટલે બદનામ પણ આ જ લોકો થવાના હોય તેવું દેખીતું છે. જે હોય તે પણ દુઃખમાં ડૂબેલો માણસ પણ જો આવા સંવાદ સાંભળે તો હસ્યા વગર ન રહે. આ એક ટોનિક સમાન દવા કહેવાય. ગુજરાતી ભાષા જ દ્વિઅર્થી હોવાના કારણે સેન્સર બોર્ડ પણ કંઈ કરી ન શકે અને કોમેડી એ સંપૂર્ણ મનોરંજનનો એક ભાગ હોવાના કારણે ગુજરાતી નિર્માતા અને નિર્દેશકો કોઈને કોઈ રીતે આનો રસ્તો શોધી લેતા હતા.
ગુજરાતી સિનેમાના ભવ્ય ભૂતકાળમાં આવી ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. જૂની ગુજરાતી ફિલ્મો પોતાની અસરકારક વાર્તા અને તેમાં કામ કરતા અભિનેતા અને અભિનેત્રીઓના અભિનયના કારણે એક સારી છાપ છોડવામાં સફળ રહેતી હતી. સ્વ. પન્નાલાલ પટેલની વાર્તાઓમાંથી ‘કંકુ’ ફિલ્મ. સાહિત્યકૃતિ હતી. દંતકથાઓ અને ઇતિહાસના વિષયો લઈને ગુજરાતી ફિલ્મો બનતી હતી. સમાજમાં ચાલતી બદીઓને રોકવા કેતન મહેતાએ ‘ભવની ભવાઈ’ ફિલ્મ બનાવી. નારી શક્તિ પર આધારિત અને કાંતિ મડિયા દિગ્દર્શિત ‘કાશીનો દીકરો’ ખૂબ સફળ ફિલ્મ રહી. સમયના પરિવર્તન સાથે ઘણા ઉતાર ચઢાવવાળી આ વાર્તા ખૂબ સફળ રહી અને ખૂબ વખણાઈ. આ સમય દરમિયાન વિષયોમાં પરિવર્તન આવ્યું. જેની સીધી અસર લોકોની માનસિકતા પર પડી અને આવા કારણોસર નવા નવા પ્રયોગો સાથે ફિલ્મ બનવાની શરૂઆત થઇ.
(તસ્વીરમાં રમેશ મહેતા અને જીવન ઘેલસટ)
0 comments:
Post a Comment